27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ : સાત દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું. અહીં મહત્તમ તાપમાન 42.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8°C જેટલું ઊંચું છે. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 15 જૂન સુધીમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે.

રાહતની વાત એ છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે તોફાન કે કોઈ પણ પ્રકારની ‘વેધર વોર્નિંગ’ જાહેર કરવામાં આવી નથી. પરિણામે ચોમાસાની શરૂઆત ધીમે-ધીમે અને શાંતિપૂર્ણ રીતે થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના પંથકોમાં આકાશમાં વાદળો ઘેરાયા છે. આ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને બાજરીના પાકની લણણીના સમયે આવા વાતાવરણથી ખેડૂતો ભયભીત છે. જો આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તો બાજરી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, બિહારમાં 9ના મોત આજે 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. આમાં રાજસ્થાન, એમપી, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે.

બિહારના 12 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો. ખગડિયા, સરસા, મધેપુરામાં વીજળી પડવાથી પતિ-પત્ની સહિત 9 લોકોના મોત થયા. યુપીમાં પ્રી-મોન્સૂનમાં 52 શહેરોમાં વરસાદ થયો. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદ થયો.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાશે સ્થાનિક હવામાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી શક્યતા છે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે.

મુખ્ય શહેરોના તાપમાનની સ્થિતિ રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચો રહ્યો હતો. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.2°C, સુરેન્દ્રનગરમાં 41.5°C, ભાવનગરમાં 41.5°C અને રાજકોટમાં 41.0°C નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં દ્વારકા ખાતે સૌથી ઓછું 33.2°C તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

જાણો, આગામી 7 દિવસ કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ‘વેધર વોર્નિંગ’ નથી. જોકે, ભેજવાળા પવનોને કારણે વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.

  • 12 અને 13 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જુદા-જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન સંપૂર્ણ સૂકું રહેશે.
  • 14 અને 15 જૂન: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વ્યાપ થોડો વધશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
  • 16 અને 17 જૂન: આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના (છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ)ની સાથે-સાથે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
  • 18 જૂન: ચોમાસું વધુ નજીક આવતાં ગુજરાત રીજનના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.