
GJ-35 સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવાની તક: ૧૮ જૂનથી ઓનલાઈન નોંધણી શરૂ થશે
-ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત તમામ શ્રેણીના આકર્ષક નંબરો માટે યોજાશે ઓનલાઈન હરાજી.
મહીસાગરસહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીદ્વારા જીલ્લાના વાહન માલિકો માટે વિવિધ શ્રેણીના પસંદગીના (ફેન્સી) નંબરો મેળવવા માટે ઓનલાઈન ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ટ્રાન્સપોર્ટ અને સ્પેશિયલ કેટેગરીના વાહનો માટે નવી અને જૂની સીરીઝના આકર્ષક ગોલ્ડન તથા સિલ્વર નંબરો ફાળવવામાં આવશે. સરકારી યોજના અને નિયમો અનુસાર પારદર્શક રીતે યોજાનારી આ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા વાહન માલિકો આગામી ૧૮ જૂન ૨૦૨૬થી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
આ ઈ-ઓક્શનની વિગતો આપતા આરટીઓ કચેરીએ જણાવ્યું છે કે ટુ-વ્હીલર (મોટર સાયકલ) માટે GJ-35-BA અને GJ-35-BB સીરીઝ, ફોર-વ્હીલર (મોટર કાર) માટે જૂની સીરીઝ GJ-35-N અને GJ-35-AA, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-35-T તથા સ્પેશિયલ કેટેગરી માટે GJ-35-S સીરીઝના નંબરો હરાજી માટે ઉપલબ્ધ થશે. આ પ્રક્રિયાના સમયપત્રક મુજબ, ઓનલાઈન અરજી અને નોંધણીની શરૂઆત ૧૮ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ કલાકે થશે, જે ૨૦ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ તુરંત જ ૨૦ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ કલાકથી ઈ-ઓક્શનનું બિડિંગ શરૂ થશે, જે ૨૨ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ કલાકે પૂર્ણ કરવામાં આવશે.
પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી નોંધણી કરાવવી ફરજિયાત છે. વાહન ખરીદીના સેલ ઇન્વોઇસ અથવા વીમાની તારીખથી સાત દિવસની અંદર આ પોર્ટલ પર સીએનએ (CNA) ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ હરાજીમાં દિવ્યાંગજન માલિકી હેઠળ રજિસ્ટર્ડ થતા વાહનોના માલિકો પણ ભાગ લઈ શકશે. હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ થયેલા અરજદારે પાંચ દિવસની અંદર બિડ એમાઉન્ટની બાકીની રકમ જમા કરાવવાની રહેશે. જો નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો અગાઉ ભરેલી મૂળ રકમ જપ્ત કરવામાં આવશે અને તે નંબર ફરીથી હરાજીમાં મૂકવામાં આવશે.
ફીના ધોરણો અંગે સ્પષ્ટતા કરતા કચેરીએ જણાવ્યું છે કે ગોલ્ડન નંબરો માટે ટુ-વ્હીલરમાં ૮૦૦૦ રૂપિયા અને ફોર-વ્હીલર સહિત અન્ય વાહનો માટે ૪૦,૦૦૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. સિલ્વર નંબરો માટે ટુ-વ્હીલરમાં ૩૫૦૦ રૂપિયા અને અન્ય શ્રેણીમાં ૧૫,૦૦૦ રૂપિયા ફી રહેશે, જ્યારે અન્ય સામાન્ય પસંદગીના નંબરો માટે ટુ-વ્હીલરમાં ૨૦૦૦ અને અન્યમાં ૮૦૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે. જે અરજદારો હરાજીમાં સફળ નહીં થાય, તેમને તેમણે ભરેલી રકમ એસબીઆઈ ઈ-પે (SBI e-pay) દ્વારા સીધી તેમના બેંક ખાતામાં પરત કરવામાં આવશે. જિલ્લાના તમામ વાહન માલિકોને આ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા અને નિયત સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.