ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વાર્ષિક રિપેરીંગ કામોમાં ઘોર બેદરકારી દાખવનાર અને નિયમોના ધજાગરા ઉડાડનાર સંતરામપુરની એજન્સી સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે.
પાલિકા વિસ્તારમાં ભારે વિવાદ જગાવનાર એજન્સી હાજી અ.મજીદ ભુરા સંતરામપુરનુ વાર્ષિક રિપેરીંગ ટેન્ડર તાકિદની અસરથી રદ્દ કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આ એજન્સીને કોન્ટ્રાકટ અપાયો ત્યારથી જ પાલિકાના કેટલાક સભ્યોમાં ભારે નારાજગી અને આંતરિક વિરોધ થયો હતો. ઝાલોદ નગરમાં આ એજન્સી દ્વારા સમયસર રિપેરીંગ કામગીરી ન કરાતી હોવાથી જનતા પરેશાન હતી અને અસંખ્યા ફરિયાદો છતાં કોઈ નિવારણ આવતુ નહોતુ. આ મનમાની અંગે રજુઆતો થતાં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે અત્યાર સુધી થયેલા કામો પાલિકાના નકકી કરેલા નિયમો અને માપદંડો મુજબ થયા નથી. આખરે વિવાદ વધતા પાલિકાએ ટેન્ડર રદ્દ કરવાનો સખ્ત નિર્ણય લીધો છે. જોકે નિયમો વિરુદ્ધ થયેલા કામોનુ બિલ કઈ રીતે મંજુર થશે અને જનતાના ટેકસના નાણાંના વેડફાટ પાછળ કોઈ મોટા માથાઓની મિલીભગત છે કે કેમ તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે.