વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી: માળી ફળિયામાં જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાયી, બાકીનો હિસ્સો પણ ગમે ત્યારે પડે તેવી ભીતિ

વેજલપુરમાં મોતનું જોખમ: ગામમાં ઠેર-ઠેર ઉભેલા જર્જરીત મકાનો ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા માળી ફળિયામાં એક મોટી હોનારત થતાં થતાં રહી ગઈ છે. અહીં લાંબા સમયથી બિસ્માર હાલતમાં ઉભેલા એક જૂના જર્જરીત મકાનનો અડધો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ જતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માળી ફળિયાના સાંકડા રસ્તા પર આવેલું આ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરીત અવસ્થામાં હતું. ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે મકાનનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મકાનના પાયા અને લાકડાના સ્તંભો સડી ગયા છે, અને મકાનનો બીજો અડધો ભાગ પણ રસ્તા તરફ ભયજનક રીતે નમી પડેલો છે. આ બાકી રહેલો હિસ્સો ગમે ત્યારે પવન કે સામાન્ય વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં લટકી રહ્યો છે.આ ફળિયામાંથી દરરોજ નાના બાળકો, મહિલાઓ અને અસંખ્ય સ્થાનિક નાગરિકો પસાર થાય છે. મકાનનો અડધો ભાગ હજુ પણ યથાવત અને ભયજનક સ્થિતિમાં હોવાથી આસપાસના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિકોની માંગ છે કે, કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈનો જીવ જાય તે પહેલાં વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આ આખેઆખા જર્જરીત મકાનને તાકીદે ઉતારી લેવામાં આવે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા વેજલપુર ગામે આવેલા હજુ પણ કેટલાક આવા જૂના અને બંધ જર્જરીત મકાનોનો સઘન સર્વે કરવામાં આવે. આવા તમામ ભયજનક બાંધકામો સામે તાત્કાલિક ધોરણે નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય. હવે જોવાનું એ રહે છે કે, વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લે છે, અને આગામી કેટલા દિવસોમાં આ જર્જરીત મકાનોને ઉતારી લેવા માટેની કડક કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું.