કાલોલ તાલુકાના કાલંત્રાના તત્કાલીન તલાટી આર.સી.ભોઈ સામે શિક્ષાત્મક પગલાં ૨ વર્ષના ઇજાફા રોકાયા

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની કાલંત્રા ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના મામલે વહીવટી તંત્ર દ્વારા તત્કાલીન તલાટી કમ મંત્રી સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. કાલંત્રા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલીન તલાટી કમ મંત્રી આર. સી. ભોઈ સામે ખાતાકીય તપાસના અંતે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આર. સી. ભોઈના ૨ વર્ષના કાર્યકાળ દરમિયાન કાલંત્રા ગ્રામ પંચાયતમાં કુલ ૨૫ જેટલા લગ્નની નોંધણી કરવામાં આવી હતી. આ લગ્ન નોંધણીના રેકોર્ડની ચકાસણી દરમિયાન વહીવટી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને બેદરકારી સામે આવી હતી.

ખાતાકીય અધિકારી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર રિપોર્ટના આધારે તત્કાલીન તલાટીને દોષિત ઠેરવી, તેમના ૨ વર્ષના ઇજાફા રોકવાનો (વાર્ષિક પગાર વધારો અટકાવવાનો) આદેશ કરવામાં આવ્યો છે. સરકારી રેકોર્ડમાં ગેરરીતિ અને બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે તંત્રના આ કડક વલણથી અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

૨૦૨૩-૨૫માં લગ્ન નોંધણી કૌભાંડ વર્ષ ૨૦૨૩-૨૫ દરમિયાન જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા આસપાસની ૫ ગ્રામ પંચાયતોમાં નોંધાયેલા કુલ ૧૦૪૩ લગ્ન નોંધણીના રેકોર્ડની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ રેકોર્ડ તપાસમાં લગ્ન નોંધણી માટેના જ‚રી પુરાવા અધૂરા હોવાનું અને લગ્ન નોંધણી રજીસ્ટરમાં ગંભીર ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરરીતિ બદલ નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી અને કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ પાઠવવામાં આવી હતી. સમગ્ર મામલાની વિગતવાર તપાસના અંતે કસૂરવાર તલાટી સામે પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે.