વડોદરાના વારસિયા રિંગ રોડ પર  ૪ સંતાનની માતાએ ગળે ફાંસો ખાધો

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા એક મંદિર પાસે આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ અગમ્ય કારણોસર મંદિર પાસેના વૃક્ષ પર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાકાવી લેતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા ચાર સંતાનોની માતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ વારસિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે શોક અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વારસિયા રિંગ રોડ પર સવારના સમયે જ્યારે લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે શ્રી માઈમાતા મંદિર પાસેના એક ઘટાદાર વડના વૃક્ષ પર દોરડાથી ગળે ફાંસો ખાંધેલી હાલતમાં ૩૩ વર્ષિય મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મહિલાના આ પગલાંથી તેના ચાર માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૧ માં થયા હતા.

ઘટનાની જાણકારી મળતા જ વારસિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ મહિલાના મૃતદેહને નીચે ઉતારી, કાયદેસરની કાર્યવાહી કરી સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુના ચોક્કસ સમય અને કારણ વિશે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

મહિલાએ આપઘાતનું પગલું કેમ ભર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી.  પોલીસ હાલમાં મહિલાના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.  ચાર બાળકોની માતાએ લીધેલા આ નિર્ણયથી પરિવાર વિખેરાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.