સુરતના ભેસ્તાનમાં સતીષ મરાઠાની હત્યા કેસમાં ૫ આરોપીઓ અને ૪ સગીરો સહિત ૯ની ધરપકડ

ભેસ્તાનના ભીમનગર વિસ્તારમાં સરસ્વતી આવાસ મંદિર પાસે કુખ્યાત સતીશ ઉર્ફે સતીશ મરાઠાની સરાજાહેર થયેલી હત્યાએ ચકચાર મચાવી છે. ૫ ઓગસ્ટ, બુધવારે બનેલી આ ઘટનામાં આરોપીઓએ સતીશ પર તલવાર, કુહાડી, ધરિયા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

પોલીસ તપાસમાં સતીશના શરીર અને ચહેરા પર ધારદાર હથિયારોથી કુલ ૩૯ ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સતીશ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાન સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. અગાઉથી વોચ ગોઠવીને બેઠેલા હુમલાખોરોમાં સામેલ કેટલાક સગીરો બાઇક પર આવ્યા અને કારની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો. કાચ તૂટતાં સતીશ કારમાંથી બહાર આવ્યો હતો.

તે જ સમયે આસપાસ છુપાયેલા અન્ય હુમલાખોરોએ તેને ચારે તરફથી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવાર, ધરિયા, કુહાડી અને ચપ્પુ જેવા હથિયારોથી તેના પર ઉપરાછાપરી હુમલો કરવામાં આવ્યો હતો. સતીશે બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવત અને વર્ચસ્વની લડાઈ હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરીમાં ગોડાદરા વિસ્તારમાં ગણેશ ખુટીયા ઉર્ફે કાલુ માલીયા પર થયેલા હુમલા બાદ કેતન ઉર્ફે સન્ની સીરસાઠ અને રાહુલ ઉર્ફે બટકો સહિતના આરોપીઓ લાજપોર જેલમાં ગયા હતા.જેલ દરમિયાન તેમનો સંપર્ક ગુજસીટોક હેઠળ બંધ રાહુલ સોમન મંડલ સાથે થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે સતીશ મરાઠા રાહુલ મંડલનો જૂનો દુશ્મન હોવાથી તેને રસ્તામાંથી હટાવવા માટે કાવતરું ઘડાયું હતું.સતીશ પર અગાઉ પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. ગોડાદરા બ્રિજ નીચે આશરે દોઢ મહિના પહેલાં તેના પર મરચાની ભૂકી નાખીને હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સતીશ બચી ગયો હતો.સતીશ મરાઠા અને રાહુલ મંડલ વચ્ચે દારૂના સ્ટેન્ડ ચલાવવા અને વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના મુદ્દે લાંબા સમયથી વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.રાહુલ મંડલ અને તેનો સાથી શિવો ટકલો અલગ-અલગ ગુનાઓમાં જેલમાં ગયા બાદ સતીશે ગોડાદરા વિસ્તારમાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવ્યું હતું.

ત્યારબાદ તેણે ચોકબજારના પંડોળ વિસ્તારમાં પણ પગપેસારો શરૂ કર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે સતીશનો વિસ્તાર વધતો જાય તો ભવિષ્યમાં ફરી વર્ચસ્વની મોટી ટક્કર સર્જાઈ શકે તેવી આશંકાથી તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડાયું હતું.તપાસ દરમિયાન પોલીસને એવી પણ કડી મળી છે કે સતીશની હત્યાનું આયોજન અગાઉ થયેલી સૂર્યા મરાઠીની હત્યા જેવી રીતે કરવામાં આવ્યું હતું. રાહુલ મંડલે માથાભારે અને ઝનૂની યુવકો તથા સગીરોને ભેગા કરીને હુમલાખોરોની ટીમ તૈયાર કરી હોવાનું પોલીસનું માનવું છે.હુમલા માટે અગાઉથી હથિયારોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સતીશના આવવા-જવાના રસ્તા તથા તેના લોકેશન પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા કુહાડી, તલવાર, ધરિયા અને ચપ્પુ જેવા હથિયારો ભાગળ વિસ્તારની દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા.પોલીસને ઘટનાસ્થળેથી એક ધરિયું અને ચપ્પુ મળી આવ્યા છે.