શહેરા નગર અને તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

શહેરા નગર અને તાલુકામાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જ્યારે નોર્મલ રેન્જ અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પ્રકૃતિના જતન અને પર્યાવરણને બચાવવાના ઉમદા સંદેશ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં આવેલ મુખ્ય તળાવના કિનારે તેમજ સલામપુર ગામે આવેલ રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે વૃક્ષારોપણના મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ પંચમહાલ જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પ્રકૃતિ વંદના સાથે છોડ રોપીને આ અભિયાનની શ‚આત કરવામાં આવી હતી.નગર ઉપરાંત સમગ્ર તાલુકાને લીલોતરીથી મઢી દેવાના આશય સાથે વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગ્રામ્ય વિસ્તારોને પણ આ મોહિમમાં સાંકળી લેવામાં આવ્યા હતા. તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મરડેશ્ર્વર, વાંટાવછોડા, દલવાડા તેમજ વાઘજીપુર સહિતના વિવિધ ગામોમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા સ્થાનિક આબોહવાને અનુકૂળ અને ઓક્સિજનનું વધુ ઉત્સર્જન કરતા જુદા-જુદા પ્રકારના પર્યાવરણ ઉપયોગી વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષો રોપવાથી પર્યાવરણનું જતન થતું નથી, પરંતુ વાવેલા છોડ મોટા થઈને ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન અને ઉછેર કરવાની જવાબદારી પણ આપણા સૌની છે.

વનવિભાગના કર્મચારીઓએ ગ્રામજનોને પર્યાવરણનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરી હતી. સમગ્ર શહેરા પંથકમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમોથી સ્થાનિક રહીશોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો નવો સંચાર જોવા મળ્યો હતો.આ ઉજવણીમાં વન વિભાગ નોર્મલના આર.એફ.ઓ.વિજય ગઢવી, વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. જયંતિ બારીયા, નગરપાલિકા પ્રમુખ શીતલ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી, કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી, નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ , ભાજપ યુવા મોરચા પ્રમુખ મીત પટેલ , ભાજપ અગ્રણી દીપક બારીઆ, પરેશ બારીઆ તેમજ નગર પાલિકાના સભ્યો અને ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો અને વિભાગનો સ્ટાફ ઉપસ્થિત સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.