
રાજ્યભરમાં શિક્ષણનો વ્યાપ વધે, ડ્રોપ-આઉટ રેશિયો ઘટે અને બાળકો ઉત્સાહભેર શાળાએ આવતા થાય તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામની ત્રણ પ્રાથમિક શાળાઓ ખાતે એક ભવ્ય, રંગારંગ અને પ્રેરણાદાયી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલા શહેરાના કર્મનિષ્ઠ મામલતદાર ધર્મેન્દ્ર પટેલે નવપ્રવેશી બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

શહેરા તાલુકાના મહેલાણ ગામની ભક્તા ફળિયા, મોર ડુંગરી અને નવા મહેલાણ પ્રાથમિક શાળામાં સવારથી જ દિવાળી જેવો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાઓને રંગબેરંગી ફુગ્ગાઓ, આસોપાલવના તોરણો અને આકર્ષક રંગોળીથી શણગારવામાં આવી હતી. મામલતદાર ધર્મેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના આંગણે પ્રથમ વખત પગ મૂકતા નવપ્રવેશી ભૂલકાંઓનું પરંપરાગત રીતે કુમકુમ તિલક લગાવીને અને અક્ષત છાંટીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળકોનું મોં મીઠું કરાવીને તેમને અત્યંત ઉષ્માભર્યા વાતાવરણમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પ્રથમ વખત શાળાના પગથિયાં ચઢતા માસૂમ બાળકોના ચહેરા પર આ ભવ્ય સ્વાગત જોઈને અનેરો આનંદ અને આશ્ચર્યનો ભાવ છવાઈ ગયો હતો. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકા તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનારા તમામ પાત્રતા ધરાવતા ભૂલકાંઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવીન પુસ્તકો, આકર્ષક દફતર અને લેખન સામગ્રી સહિતની કીટ મેળવીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.આ તબક્કે વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકોને સંબોધતા મામલતદાર ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,”બાળકો એ દેશનું સાચું ભવિષ્ય છે અને તેમનો શૈક્ષણિક પાયો મજબૂત બને તે જોવાની જવાબદારી માત્ર શાળાની જ નહીં, પરંતુ આપણા સમગ્ર સમાજની છે.

તેમણે વાલીઓને પણ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી અને નવપ્રવેશી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ તેમજ તાલુકાનું નામ રોશન કરે તેવી મંગલ કામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સર્વાંગી રીતે સફળ બનાવવા માટે મહેલાણ ગામની ત્રણેય પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકગણ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો, મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના બાળકોને શાળાના પહેલા જ દિવસે આવું રાજવી સન્માન મળતા વાલીઓએ પણ ભાવુક થઈ તંત્ર અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મહેલાણ ગામમાં આ પ્રવેશોત્સવ એક શૈક્ષણિક ઉત્સવ બની રહ્યો હતો.