
આગામી દિવસોમાં આવી રહેલા મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેવા આશય સાથે શહેરા પોલીસ દ્વારા એક ભવ્ય ફૂટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે અને અસામાજીક તત્વોમાં પોલીસનો ડર રહે તે માટે યોજાયેલી આ ફૂટ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો શસ્ત્રો અને સુરક્ષા સરંજામ સાથે જોડાયા હતા, જેને પગલે સમગ્ર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. સીસારાની સીધી દેખરેખ અને સક્ષમ આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન પરિસર માંથી આ ફૂટ માર્ચનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફૂટ માર્ચમાં પોલીસ સ્ટેશનના તમામ ઉચ્ચ અધિકારીઓ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જી.આર.ડી. ના જવાનો સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફનો કાફલો જોડાયો હતો. શિસ્તબદ્ધ રીતે કદમતાલ મિલાવીને નીકળેલા પોલીસ જવાનોના કાફલાએ સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું હતું.પોલીસનો આ વિશાળ કાફલો શહેરા પોલીસ સ્ટેશનથી નીકળીને નગરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. જેમાં ખાસ કરીને મોહરમ પર્વની દ્રષ્ટિએ મહત્વના એવા હુસેની ચોક, હોળી ચકલા તેમજ હંમેશા વેપાર-ધંધાથી ધમધમતા મેઈન બજાર વિસ્તારમાં થઈને આ ફૂટ માર્ચ આગળ વધી હતી. નગરના તમામ મુખ્ય અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોને ખૂંદીને, કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી પોલીસનો આ કાફલો શાંતિપૂર્ણ રીતે પરત પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવવાનો છે. ફૂટ માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધીને ભયમુક્ત વાતાવરણનો અહેસાસ કરાવ્યો હતો. તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને તહેવારની ભાઈચારા સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે નગરજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

