સંખેડાના ચંદાનગર વસાહત પાસે સ્કૂટર પર લઈ જવાતા દારૂ સાથે બૂટલેગરને ઝડપાયો

સંખેડા તાલુકાની ચંદાનગર વસાહતમાં પાણીની ટાંકી પાસેથી પોલીસે સ્કૂટર ઉપર લઈ જવાતો રૂપિયા 88368નો વિદેશી દારૂ ઝડપી લીધો છે. હેરાફેરી કરનાર ખેપીયો ઝડપાયો છે. દારૂ ભરી આપનારને પકડવાનો બાકી છે.

સંખેડા પોલીસને બાતમી મળી હતી કે સણોલી ગામ તરફ સ્કૂટર ઉપર વિદેશી દારૂ લઈને એક શખ્સ જનાર છે. આ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળું સ્કૂટર આવતા તેના ચાલકને ઊભો રાખી પૂછપરછ કરી હતી.

તેણે પોતાનું નામ અવિનાશભાઈ રંગેશભાઈ રાઠવા હોવાનું જણાવ્યું હતું. સ્કૂટર ઉપર કાળા કપડામાં બાંધેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં કુલ 336 ક્વાર્ટરિયા હતા. તેની કુલ કિંમત 88368 રૂપિયા થતી હતી. સ્કૂટર અને મોબાઈલ ફોન મળીને કુલ 143368 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ દારૂનો જથ્થો કવાંટ તાલુકાના કનલવા ગામેથી કિરીટભાઈ રાઠવા પાસેથી લાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશથી સ્કૂટર ઉપર આગળ કાળા રંગના થેલામાં કેનાલ અને રોડના રસ્તે વાયા હાંડોદ થઈને સંખેડા આવતા હોવાની વ્યાપક ચર્ચા છે. કસ્બા વિસ્તારમાંથી થઈ બાયપાસ રસ્તે બહાદરપુર સોસાયટી જીનમાંથી થઈ ખુલ્લેઆમ નીકળતા હોવાની ચર્ચા ઘણા સમયથી ઊઠી રહી છે. ક્યારેક વાયા લોટીયા રસ્તે પણ નીકળતા હોવાની ચર્ચા છે.