સંજેલી તાલુકામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 91 બુથ લેવલ ઓફિસર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તાલુકા મામલતદાર સુનીલ કામોરના માર્ગદર્શન હેઠળ પાંચ મોનીટરીંગ ટીમો બનાવીને 81,262 મતદારોની ડોર ટુ ડોર વિગતો એકત્રિત કરવાનુ અભિયાન 4 નવેમ્બરથી શરૂ થયુ હતુ. બુથ લેવલ ઓફિસર સાથે આંગણવાડી વર્કરો, આશા વર્કરો, અને મઘ્યાહન ભોજનના સંચાલકોને પણ જોતરી દેવાયા છે. 21માં દિવસ સુધીમાં તાલુકામાં 63.49 ટકા એટલે કે, 51,590 મતદારોની કામગીરી પુર્ણ થઈ છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી તાલુકા કચેરીઓમાં કર્મચારીઓ કામગીરીમાં વ્યસ્ત છે. અને 4 ડિસેમ્બર પહેલા જ 100 ટકા કામગીરી પુર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તાડામાર પ્રયાસો કરાઈ રહ્યા છે. બી.એલ.ઓ.ની સરાહનિય કામગીરીને જિલ્લા કલેકટર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. થાળા પ્રા.શાળાના આચાર્ય અને ટીસાનામુવાડા બુથના બુથ લેવલ ઓફિસર રવજીભાઈ ધર્માભાઈ ચારેલ સહિત અન્ય 5 બુથ લેવલ ઓફિસર દ્વારા 100 ટકા કામગીરી પુર્ણ કરી છે. આચાર્ય ચારેલના જણાવ્યા અનુસાર અમે પ્રથમ 6 દિવસમાં ધરે ધરે ફરીને આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ ગામને 6 ભાગોમાં વહેંચી, ફળિયાના આગેવાનોને 10/10 ધરોની જવાબદારી સોંપી હતી. આયોજનબદ્ધ રીતે અને આગેવાનોની મદદથી માત્ર 21 દિવસમાં જ 630મતદારોની 100 ટકા કામગીરી પુર્ણ કરી શકાઈ હતી. તેમણે ઉમેર્યુ કે, આયોજનથી કામ કરો તો કામગીરી સરળ છે. સંજેલી તંત્રની આ કામગીરી અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની છે.