લીમખેડાના જાદાખેરીયા ગામે બપોરે જમવાનુ બનાવતી વખતે ગેસ સિલીન્ડર ફાટતા ત્રણ મકાનો બળીને ખાખ

લીમખેડા તાલુકાના જાદાખેરીયા ગામે ભોજન બનાવતી વખતે એક ગંભીર દુર્ધટના સર્જાઈ હતી. રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલીન્ડર ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્રણ પરિવારોના મકાનો સંપુર્ણ પણે બળીને ખાખ થઈ ગયા હતા.

જાદાખેરીયા ગામે પરમાર ફળિયામાં રહેતા માલાભાઈ ગલાભાઈ પરમારના ધરમાં બપોરે જયારે પરિવાર જમવાનુ બનાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ગેસ સિલીન્ડરમાંથી આગનો ભડકો થયો હતો. આગની શરૂઆતના ભડકાને જોતા જ ધરમાં હાજર પરિવારના સભ્યો તરત જ બહાર નીકળી ગયા હતા. જેના કારણે તેઓનો જીવ બચી ગયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાડોશમાં લક્ષ્મણ પરમાર અને અજીત પરમારના મકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. પરિણામે માલાભાઈના ધર સહિત પાડોશના ત્રણ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. ત્રણેય પરિવારોની ધરવખરી તેમજ સરસામાન બળીને ભસ્મિભુત થઈ જવા પામ્યો હતો. ગેસ સિલીન્ડર ફાટવાના ધડાકા અને આગના ઉંચા લબકારા જોઈ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. આખરે ધટનાની જાણ ફાયર બિગ્રેડને કરાતા દાહોદથી ધસી આવેલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્ભાગ્યે પરિવારજનો સમયસર ધરની બહાર નીકળી જતાં જાનહાનિ થવા પામી ન હતી.