સાબરકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત જોવા મળી રહી છે. ત્યારે શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલી એક આઇસર ગાડીમાં મોટી માત્રામાં પોષડોડાનો પાવડર અને અફીણનો જથ્થો ઝડપાતા જિલ્લામાં ફરી ચકચાર મચી ગઈ છે.
મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે નવલપુર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ આઇસરને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આઇસર ચાલકના ખિસ્સામાંથી અફીણ મળી આવ્યું હતું, જ્યારે ગાડીની તલાશી લેતા અંદરથી અંદાજે ૪૩ કિલોગ્રામ જેટલો પોષડોડાનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે તરત જ સમગ્ર જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં ઝડપાયેલ આઈસર ચાલકની ઓળખ રાજસ્થાનના ભીનમાલ ગામના સતરારામ કાનાજી ચૌધરી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલ પોષડોડાના પાવડરની કિંમત અંદાજે ૬ લાખ ૫૫ હજાર રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે, જ્યારે આઈશર વાહન સહિત કુલ મુદ્દામાલની કિંમત ૧૭ લાખ રૂપિયાથી વધુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ અંગે હિંમતનગર હેડ ક્વાર્ટરના ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે, જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે, અને આવી ગેરકાયદેસર પ્રવૃતીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.