રાજકોટ શહેરમાં માનવતા લજવાય તેવી અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. આ હચમચાવનારા કેસમાં કેટરર્સમાં કામ અપાવવાના બહાને ૧૨ વર્ષીય માસૂમ સગીરાને લલચાવીને દેહવ્યાપારના ગંદા દૂષણમાં ધકેલી દેવામાં આવી હતી. આજી ડેમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર પાડોશી મહિલા અને તેની સાગરીત બહેનપણીની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રમિક પરિવારની લાચારીનો ગેરલાભ ઉઠાવીને ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. સગીરાના માતા-પિતા રોજીરોટી કમાવવા માટે આખો દિવસ ઘર બહાર મજૂરીકામ કરતા હતા. આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને પાડોશમાં રહેતી મહિલાએ ૧૨ વર્ષની બાળકીને સરળતાથી રૂપિયા કમાવવાની અને કેટરિંગના કામમાં મદદ કરવાની લાલચ આપી હતી.
ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે પાડોશી મહિલા સગીરાને ગોંડલ ચોકડી તરફ લઈ ગઈ હતી. ત્યાંથી રિક્ષા મારફતે આજી ડેમ ચોકડી અને ત્યારબાદ એક અજાણ્યા શખ્સના ટુ-વ્હીલર પર બેસાડીને તેને માંડા ડુંગર વિસ્તારના એક અવાવરૂ મકાનમાં લઈ જવામાં આવી હતી.માંડા ડુંગર સ્થિત મકાનમાં સગીરાને સતત ૪ દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી. પાડોશી મહિલા અને તેની બહેનપણીએ ત્યાં અલગ-અલગ ગ્રાહકોને બોલાવીને માસૂમ સગીરા પાસે બળજબરીથી દેહવ્યાપાર કરાવવાનું શરૂ કર્યું હતું.નાણાકીય શોષણઃ નરાધમ આરોપીઓ ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવતા હતા, જ્યારે પીડિત સગીરાના હાથમાં ગ્રાહક દીઠ માત્ર ૫૦૦ રૂપિયા પધરાવવામાં આવતા હતા.માનસિક દબાણ અને ધમકીઃ બાળકી કોઈને કહી ન દે તે માટે તેને ધાકધમકી આપી ડરાવી રાખવામાં આવી હતી.
નરાધમોની શોધખોળઃ આ મકાનમાં સગીરા પર અત્યાચાર ગુજારવા આવેલા પુરુષ ગ્રાહકોની ઓળખ કરવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.આ ભયાનક ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સોસાયટીની અન્ય એક જાગૃત પાડોશી મહિલાએ બાળકીને અજાણી વ્યÂક્ત સાથે જતી જાઈ શંકા વ્યક્ત કરી હતી. તેણે તાત્કાલિક બાળકીની માતાને ફોન કરીને પૂછપરછ કરી હતી. માતાએ જણાવ્યું કે દીકરી દાદીના ઘરે છે, પરંતુ પાડોશીએ કહ્યું કે તે ત્યાં નથી.ચિંતાતુર માતા તાત્કાલિક કારખાનેથી દોડી આવી હતી.
સાંજ સુધી શોધખોળ બાદ પાડોશી મહિલા સગીરાને લઈને પરત આવી ત્યારે તેણે કેટરિંગનું બહાનું કાઢી હાથમાં ૫૦૦ રૂપિયા આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, માતા-પિતાએ બંધબારણે બાળકીને વિશ્વાસમાં લઈ પૂછતાં તે ચોધાર આંસુએ રડી પડી હતી અને ૪ દિવસ દરમિયાન પોતાની સાથે થયેલી તમામ ક્રૂરતા વર્ણવી દીધી હતી.માસૂમ બાળકીની દર્દનાક આપવીતી સાંભળી સ્તબ્ધ થઈ ગયેલા પરિવારે તાત્કાલિક આજી ડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે તાબડતોબ કાનૂની સંકજા કસ્યો હતો.પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની માનવ તસ્કરી તેમજ દુષ્કર્મ સંબંધી સખત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પાડોશી મહિલા અને તેની બહેનપણી બંનેની ધરપકડ કરી લીધી છે. આ રેકેટ પાછળ કોઈ સુનિયોજિત ગેરકાયદે નેટવર્ક સક્રિય છે કે કેમ તે અંગે પોલીસ રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવી રહી છે.