રાજ્યમાં ૨૦૦૧માં ૩૨૭ની સામે વર્ષ-૨૦૨૫માં સિંહની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઇ

ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ  યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે.

વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ  યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩ માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

નોંધનીય છે કે, દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે. ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના દાહોદમાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઇ છે જે રાજ્યની જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે. હવે ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વયું છે.

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૦૨ લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૮૪ વણીયર, ૧,૦૦૦થી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.