પંચમહાલની 5 વિધાનસભાના 3.65 લાખ મતદારોના‎નામ, સરનામાં અને ઉંમરમાં તફાવત આવતાં નોટિસ‎

પંચમહાલ જિલ્લામાં મતદારયાદી સુધારણમાં વાધા અરજીઓ બાદ મતદાર યાદીની ચકાસણીમાં જિલ્લાની 5 વિધાનસભામાં નામ, સરનામાં તથા ઉંમર સહિતની લોજીકલ ક્ષતિઓ વાળા 3.56 લાખ મતદારો મળતા તેઓને નોટીસ આપી હતી. મતદારોને નોટીસ મળતા આધાર પુરાવા રજૂ કર્યા હતા. જેમાં 1660 મતદારોના આધાર પુરાવા ના આવતા નામ કમી કર્યા છે. ત્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થતા 17 ફેબ્રુઆરીએ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણતાએ પહોંચી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલ એસઆરઆઇ કામગીરીમાં 5 વિધાનસભાઓમાંથી મળેલા પુરાવાના આધારે ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી. જે ડેટા એન્ટ્રી કર્યા બાદ નામ, ઉંમર, સરનામા સહિતની લોજીકલ ક્ષતિઓ ધરાવતા શહેરા વિધાનસભામાં 69,636, મોરવા(હ) વિધાનસભામાં 67,755, ગોધરા વિધાનસભામાં 80,267, કાલોલ વિધાનસભામાં 66,915, હાલોલ વિધાનસભામાં 71,480 મળી કુલ 3.56 લાખ મતદારોને નોટીસ આપવામાં આવી હતી.

નોટીસના આધારે તમામ મતદારોની સુનાવણી યોજવામાં આવી હતી. જેમા મતદારોએ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યા હતા. જેમા મતદાર દ્વારા ઉંમરના પુરાવા તરીકે જો શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર રજૂ કરવામાં આવે તો તેનું વેરીફીકેશન તે શાળાના આચાર્ય પાસેથી કરાવવામાં આવે છે. જો આ પ્રમાણપત્ર અન્ય જિલ્લાનું હોય તો તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રમાણપત્રની ખરાઈ માટે અન્ય જિલ્લાના કલેક્ટરને ઈ મેઈલ મારફતે મોકલવામાં આવે છે. અને 5 દિવસમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 1,10,259 અરજીઓ તપાસવામાં આવી હતી. જેમાંથી 1,500 જેટલા મતદારોના પુરાવા પંચમહાલ જિલ્લા બહાર વેરીફીકેશન માટે મોકલવામાં આવ્યા હતા. પુરાવાની ચકાસણી બાદ જિલ્લામાંથી 1660 મતદારોના આધાર પુરાવા ન મળતા તેમના નામ કાયમી ધોરણે મતદાર યાદીમાંથી રદ કરાયા છે. મતદાર યાદીની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી આગામી 17 ફેબ્રુઆરીએ યાદી જાહેર કરવામાં આવશે અને નવી મતદાર યાદીમાં નામ ના હોય તો ફોર્મ 6 ભરીને નામ ઉમેરી શકાશે તેમ જિલ્લાના ચુંટણી અધીકારીએ જણાવ્યું છે.

એઆઇએ નામ સામેનો અનુક્રમ નંબર ઉંમર તરીકે‎લઇ લેતા મોટાભાગના મતદારોમાં તફાવત‎ એસઆઈઆરમાં વર્ષ 2002 ની મતદાર યાદીને આધાર તરીકે લેવામાં આવી હતી. વર્ષ 2002 માં‎એસઆઈઆર ની કામગીરી બાદ તૈયાર થયેલી ફાઈનલ મતદાર યાદી ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ ન હોઇ‎તેને ડિજિટલ બનાવવા માટે એઆઈની મદદ લેવામાં આવી હતી.

જોકે એ આઈ દ્વારા મતદારના નામ‎સામેના અનુક્રમ નંબરને તેની ઉંમર તરીકે લેવામાં આવતાં મોટા ભાગના મતદારોની હાલની ઉંમરમાં‎તફાવત આવ્યા હતા. જ્યારે નામ અને સરનામા અંગે પણ એઆઈ દ્વારા લેવામાં આવેલી માહિતી અને‎હાલની માહિતી વચ્ચે તફાવત આવ્યો હતો. આવા મતદારોને નોટિસ આપી સુનાવણી યોજી ક્ષતિઓ‎સુધારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, એસઆઇઆરની કામગીરી દરમિયાન અનેક ક્ષતીઓ આવતાં‎લોકોને મતદારયાદીમાં નામ જાળવવા મથામણ કરવાનો વારો આવ્યો હતો.‎

પુત્ર કરતાં પિતાની ઉંમર ઓછી નીકળી કાલોલ વિધાનસભામાં અેક મતદારનુ વર્ષ 2002ની મતદારયાદી મુજબ ઓનલાઇન વેરીફીકેશન કરતા પિતાની ઉંમર પુત્ર કરતા નાની બતાવતી હતી. નોટીસ આપ્યા બાદ મતદારે પોતાની ઉંમરનુ પ્રમાણપત્ર રજૂ કરતા મતદાર યાદીમાં તેઓની ઉંમરમાં સુધારો કરીને સાચી ઉંમર દર્શાવવામાં આવી હતી.

નામ અને અટક અલગ અલગ નીકળ્યા ગોધરા વિધાનસભામાં એક મતદારનુ વર્ષ 2002 ની મતદાર યાદીમાં પ્રથમ અટક પછી નામ હતું. જ્યારે એસઆરઆઇની મતદારયાદીમાં નામ પહેલું અને અટક પાછળ હતી. જેથી બંને મતદારો એક જ છે કે નહિ ? તેના માટે નોટીસ આપતા મતદારે આધાર પુરાવા રજૂ કરતા બંને મતદાર યાદીમાં એક જ મતદાર હોવાનું પુરવાર થયું હતું.