પંચમહાલમાં ICMR ની ટીમ વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સર્વેક્ષણ હાથ ધરાશે

પંચમહાલ જીલ્લામાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ની એક વિશેષ ટીમ આવી પહોંચી છે. આ ટીમ ચાંદીપુરમ વાયરસ અને વાહકજન્ય રોગોના નિયંત્રણ તથા અટકાયત માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરશે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, પોંડીચેરીથી આવેલી આ ટીમમાં અંદાજે ૧૨ સભ્યો સામેલ છે, જેમને ત્રણ અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. આ સર્વેક્ષણ ICMR ની ગાઇડલાઇન મુજબ કરવામાં આવી રહ્યું છે.

આ ટીમો પંચમહાલ જીલ્લાના નક્કી કરેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને વેક્ટર્સ પર કામગીરી કરશે. તેઓ મચ્છર, ઇતડી, સેન્ડફ્લાય અને ઉંદર જેવા વાહકો દ્વારા ફેલાતા રોગો અને તેના ફેલાવાને અટકાવવા માટે અલગ-અલગ વિસ્તારોમાંથી સેમ્પલ એકઠા કરશે.

ટીમ દ્વારા જ‚રી સંશોધન અને અન્ય મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રયાસો ભવિષ્યમાં રોગચાળા સામે આગોતરા પગલાં લેવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર મચાવ્યો હતો. તે સમયે જીલ્લામાં કુલ ૧૪ શંકાસ્પદ ચાંદીપુરમ કેસ નોંધાયા હતા અને ચાંદીપુરમ વાયરસના લક્ષણો ધરાવતા પાંચ બાળકોના મૃત્યુ થયા હતા. હાલની ICMR ટીમ દ્વારા હાથ ધરાતું સંશોધન ભવિષ્યના આયોજન માટે અત્યંત મહત્વનું છે.