
–જીવલેણ વાયરસ ધરાવતી ૩૦૦ જેટલી સેન્ડફલાય માખીઓ ટીમે પકડી
ગોધરાના વિંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેમાં બે માસુમ બાળકોના મોત થયા હતા.

જિલ્લામાં ચાદીપુરમ વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા એક વર્ષના બાળકમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યો હતા. ત્યારબાદ બાળકોની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સ્થિતિ ગંભીર જોતા તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે રિફર કર્યો હતો. પરંતુ કમનસીબે અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં આ માસુમ બાળકનુ મોત નીપજયું હતુ. આમ આ ધટના સાથે જ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કારણે જીવ ગુમાવનાર બાળકોનો કુલ આંકડો ૩ પર પહોંચ્યો છે. જેમાં અગાઉ બે બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મોત નીપજયાં હતા. જયારે આ ત્રીજા બાળકનુ શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ નીપજયું છે. પરિસ્થિતિને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય તંત્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ કરીને આ જીવલેણ વાયરસ ફેલાવવા માટે જવાબદાર એવી ૩૦૦થી વધુ સેન્ડફલાય માખીઓને પકડી પાડવામાં આવી છે.