
ઝાલોદ તાલુકામાં ખેડુતો છેલ્લા ૪૦ દિવસથી યુરિયા ખાતરની તિવ્ર અછત અને વહીવટી લાપરવાહીને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાલુકાના સરદાર ડેપો, સહકારી ખરીદ-વેચાણ સંઘ, એગ્રો સેન્ટર મુવાડા અને એપીએમસી માર્કેટ ખાતે ખાતરના વિતરણ કેન્દ્રો આવેલા છે. પરંતુ માંગ મુજબનો જથ્થો ન મળતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. હાલમાં સ્થિતિ એવી છે કે, વહેલી સવારના ૫ વાગ્યાથી જ ખેડુતો ખાતર મેળવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. તેમ છતાં દિવસભરની રાહ જોવા બાદ પણ તેમને ખાતર મળતુ નથી. વિતરણ કેન્દ્રો પર બાયોમેટ્રીક મશીનમાં વારંવાર આવતી ટેક્નિકલ ખામી અને ઉ૫રથી પુરતો જથ્થો ફાળવવામાં ન આવતા ડેપો પર ભારે ભીડ જાની રહી છે. ખેડુતો આખ દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં ખાતર મળતુ ન હોવાથી લાચાર બન્યા છે. આ ગંભીર સમસ્યાને લઈને ઝાલોદના તાલુકા પંચાયતના સભ્યો મેદાનમાં આવ્યા છે. સભયોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક અસરથી ખેડુતોનો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં નહિ આવે તો ખેડુતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે યોગ્ય રજુઆત કરી તાત્કાલિક જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.