પંચમહાલમાં શિક્ષકો TET પરીક્ષા મુક્તિ માટે ધરણા પર : એક હજારથી વધુ શિક્ષકોએ જીલ્લા સેવાસદન બહાર વિરોધ નોંધાવ્યો

પંચમહાલ જીલ્લામાં ઝઊઝ પરીક્ષા માંથી મુક્તિની માંગ સાથે એક હજારથી વધુ શિક્ષકોએ આજે ધરણા પ્રદર્શન કર્યું. ગોધરા સ્થિત જીલ્લા સેવાસદન અને સર્કિટ હાઉસ સંકુલની બહાર આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોના હાથમાં TET પરીક્ષા મુક્તિની માંગ કરતા અને સરકાર સામે વિરોધ દર્શાવતા પ્લે-કાર્ડ્સ તેમજ બેનરો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ આંદોલનને વેગ આપવા માટે જીલ્લા શિક્ષક સંઘના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શિક્ષકોની માંગને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગ છે કે તેમને આ પરીક્ષામાંથી વહેલી તકે મુક્તિ આપવામાં આવે. શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમની આ માંગ સંતોષવામાં નહીં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.