
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લાની શહેરા સરકારી વિનયન કોલેજને ‘આદર્શ મહાવિદ્યાલય’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાથે જ કોલેજના આધુનિકીકરણ અને શૈક્ષણિક વિકાસ માટે . ૨ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
રાજ્યની કુલ ૧૩૯ સરકારી કોલેજો પૈકી ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે શ્રેષ્ઠ ૨૫ કોલેજોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શહેરા કોલેજનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે વૈશ્ર્વિક સ્તરની સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ ભંડોળ કોલેજ કેમ્પસમાં અત્યાધુનિક ફેરફારો લાવશે.
મળવાપાત્ર ગ્રાન્ટમાંથી હાઇટેક ડિજીટલ લાઇબ્રેરી ’જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટ અંતર્ગત એડવાન્સ કમ્પ્યુટર્સ, ઈ-બુક્સ, ઓડિયો બુક્સ અને જર્નલ્સની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત, સ્માર્ટ ક્લાસમ્સ, ઓડિયો-વિઝ્યુઅલ એડ્સથી સજ્જ વર્ગખંડો, એ.સી. મલ્ટીપર્પઝ સેમિનાર હોલ, ઇન્ક્યુબેશન સેન્ટર અને ડિપાર્ટમેન્ટલ લેબનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય કાર્યો માટે ડિજીટલ ઇન્સ્ટિટ્યુશનલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લાગુ કરાશે.
કોલેજના આચાર્ય ડો. જયબેન જોષીએ આ સિદ્ધિ બદલ સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની મહેનતને શ્રેય આપ્યો હતો. આ નવી સુવિધાઓનો લાભ આસપાસના ગ્રામીણ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓને મળશે.