
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડ શનિવારે કોઈ સમજુતી વિના સમાપ્ત થયો, જેમાં બંને દેશોએ નિષ્ફળતા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.
કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ ઇસ્તંબુલમાં યોજાયેલી બે દિવસીય વાટાઘાટો દરમિયાન અફઘાન સરકારે પાકિસ્તાન પર બેજવાબદાર વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું, “અમને લાગ્યું હતું કે પાકિસ્તાન વ્યવહારુ અને લાગુ કરી શકાય તેવી શરતો ઓફર કરશે જે આ મુદ્દાને ઉકેલશે. તેમણે કહ્યું- પાકિસ્તાની લોકો અમારા ભાઈઓ અને મિત્રો છે, પરંતુ કોઈપણ હુમલાનો કરારો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરકારે આ નિવેદનનો તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે, પાકિસ્તાને શુક્રવારે કહ્યું હતું કે “વાતચીતથી વિવાદ વધી ગયો છે અને કોઈ પ્રગતિ થઈ નથી.”
9 ઓક્ટોબરથી શરૂ થયેલા સંઘર્ષ બાદ, બંને પક્ષોએ 19 ઓક્ટોબરના રોજ કતારમાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા હતા. 25 થી 30 ઓક્ટોબર દરમિયાન તુર્કીમાં યોજાયેલી આતંકવાદ વિરોધી વાટાઘાટોનો બીજો રાઉન્ડ કોઈ સમજુતી વિના સમાપ્ત થયો. જોકે, યુદ્ધવિરામ યથાવત છે.
અફઘાન પ્રવક્તાએ કહ્યું – સુરક્ષાને કોઈ નુકસાન પહોંચાડવાની મંજૂરી નથી
મુજાહિદે કહ્યું કે તાલિબાન કોઈને પણ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ બીજા દેશ વિરુદ્ધ કરવાની મંજુરી આપશે નહીં, અને ન તો તેઓ કોઈ પણ દેશને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અથવા સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે તેની જમીનનો ઉપયોગ કરવા દેશે.