
ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે.
આ નિયમ ‘પબ્લિક ચાર્જ’ નીતિ પર આધારિત છે, જેનો ઉદ્દેશ એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે છે.
તે વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે. જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેકટ કરવામાં આવશે.
અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં જણાવાયું છે કે અરજદારના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવું મહત્ત્વપૂર્ણ છે. હૃદયરોગ, શ્વસન સમસ્યાઓ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક રોગો, ન્યુરોલોજિકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી તબીબી પરિસ્થિતિઓ લાખો ડોલરના ખર્ચે સંભાળની જરૂરિયાત તરફ દોરી શકે છે.
વધુમાં, અધિકારીઓ સ્થૂળતા જેવી પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેશે, કારણ કે એ અસ્થમા, સ્લીપ એપનિયા અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
નવા નિર્દેશો હેઠળ, અધિકારીઓએ નક્કી કરવું પડશે કે શું સ્થળાંતર કરનારી વ્યક્તિ ‘પબ્લિક ચાર્જ’ બની શકે છે, જેનો અર્થ સરકારી સંસાધનો પર બોજ છે અને શું તેમને ખર્ચાળ લાંબા ગાળાની સંભાળની જરૂર પડશે.
અહેવાલ મુજબ, “વિઝા અધિકારીઓને એ પણ તપાસવાનું કહેવામાં આવ્યું છે કે શું અરજદાર સરકારી સહાય વિના તેમના જીવનભર પોતાના તબીબી ખર્ચાઓનો સામનો કરી શકે છે. વધુમાં, બાળકો અથવા વૃદ્ધ માતાપિતા જેવા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે.”