
મોરવા હડફ તાલુકામાં ‘નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે ગ્રામજનોની રજૂઆત બાદ CID ક્રાઈમે તપાસ શરૂ કરી છે અને અરજદારોના નિવેદનો નોંધ્યા છે. અરજદારોના મતે, ‘નલ સે જલ’ યોજના નિષ્ફળ ગઈ છે, અને નળ દ્વારા પાણી ઘરો સુધી પહોંચતું નથી. અનેક ગામોમાં પાણીની ટાંકીઓ અને સંપ તૈયાર હોવા છતાં, પાઈપો કાટ ખાઈ રહી છે. કેટલાક પાઈપોના જોઈન્ટ્સમાંથી નટ-બોલ્ટ ગાયબ છે, જ્યારે MGVCLના મીટરો લાગેલા હોવા છતાં કનેક્શનો કપાયેલા છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ’ના કામો કરતી એજન્સીઓએ મોરવા-હડફ તાલુકાના કુંવાઝર, રામપુર કસનપુર, દાંતિયા ફળિયા સહિતના કેટલાક ગામોમાં કરોડો રૂપિયાના કામોમાં વ્યાપક ગેરરીતિઓ આચરી છે. આ અંગે ગ્રામજનોએ વાસમો કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર CID ક્રાઈમ સુધી રજૂઆતો કરી હતી. તેઓએ આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેથી યોજનાનો મૂળ હેતુ સિદ્ધ થઈ શકે.

અરજીકર્તાઓએ જણાવ્યું કે, કુંવાઝર સહિતના ગામોમાં ચાર વર્ષ પહેલાં બનેલી પાણીની ટાંકીઓમાંથી આજદિન સુધી કેટલાય ઘરોમાં પાણી પહોંચ્યું નથી. જો ટાંકી કે સંપમાં પાણી જ ન હોય, “કુવાં માં ના હોય તો હવાડા માં ક્યાંથી આવે” જેથી સરકારની આ મહત્વપૂર્ણ ‘નલ સે જલ’ યોજનાનો હેતુ સિદ્ધ થતો નથી. કેટલીક જગ્યાએ ખોદકામ અને નળ ફિટિંગનું કામ પણ અધૂરું હોવાના આક્ષેપો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆતોને ધ્યાને લેવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ મામલે કુંવાઝર ગામના તલાટીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, જ્યારે વાસમોના યુનિટ મેનેજરે પણ આ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો.