
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગામમાં આજે સવારે અંદાજે 11 વાગ્યે એક દુર્ઘટનામાં એક જ પરિવારના બે માસૂમ બાળકોના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં આંગણામાં રમી રહેલા બંને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડીને બાળકોને બહાર કાઢવાની બચાવ કામગીરી શરૂ કરી હતી.દીવાલના ભારે કાટમાળ નીચે દબાવાથી ગંભીર ઈજાઓ પહોંચતા બંને બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ તલાટી કમ મંત્રી, પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

બન્ને મૃતક બાળકો પિતરાઈ ભાઈઓ
મૃતકના સંબંધી જયંતીભાઈ પગીએ જણાવ્યું હતું કે, વીરપુર તાલુકાના ખાટા ગામે બનેલી કરુણ ઘટનામાં જેસાભાઈ પગીના બંને દીકરાના બાળકો ઘરની પરસાળમાં રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં રાધિકાબેન અજમેલભાઈ પગી અંદાજીત ઉંમર 3 વર્ષ અને તેના કાકાનો છોકરો આયુષ સંજયભાઈ પગી અંદાજીત ઉંમર 2 વર્ષ જે બંને દીવાલના કાટમાળ માં દટાઈ જતા કરુણ મોત નિપજ્યા છે.

ચોમાસામાં કાચા મકાનો અંગે સાવચેતી જરૂરી
ચોમાસાની ઋતુમાં સતત વરસાદના લીધે કાચા મકાનો ભેજને કારણે નબળા પડી જવાથી આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે, જેથી આવા મકાનોમાં વસવાટ કરતા ગ્રામજનોએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.