મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના લાડેલ ગામના વતની મનીષાબેન પટેલે સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો સરકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની શકે છે. મનીષાબેન દ્વારા સંચાલિત પવનપુત્ર મિશન મંગલમ મંડળ આજે અનેક મહિલાઓ માટે આશાનું કિરણ બન્યું છે. શરૂઆતમાં તાલુકા અને જીલ્લા પંચાયતની રૂ. 14,000ની ટૂંકી સહાયથી શરૂ થયેલી આ સફર આજે લાખોના ટર્નઓવર અને વ્યાપક સામાજીક પરિવર્તન સુધી પહોંચી છે. સરકારની આર્થિક સહાયનો યોગ્ય ઉપયોગ કરીને મનીષાબેને સ્વદેશી ઉત્પાદનોના નિર્માણ દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
ઓર્ગેનિક સાબુના ઉત્પાદન થકી 150 બહેનોને ઘરબેઠા રોજગારી મનીષાબેનની સફળતાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ તેમણે અન્ય 100 થી 150 બહેનોને પણ રોજગારી સાથે જોડી છે. હાલમાં તેમના મંડળ દ્વારા ઓર્ગેનિક સાબુનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં કામ કરતી બહેનોને સાબુ દીઠ રૂ. 2 લેખે મહેનતાણું આપીને તેમને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, મનીષાબેન બરોડા સ્વજન વિકાસ સંસ્થામાં ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યાં તેઓ મહીસાગર અને પંચમહાલ જીલ્લાના અંતરિયાળ ગામડાઓની મહિલાઓને તાલીમ આપી વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરી રહ્યા છે.
સ્વદેશી ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ હાલમાં મહીસાગર જીલ્લામાં યોજાયેલા સશક્ત નારી મેળામાં મનીષાબેનના સ્ટોલ પર બહેનો દ્વારા હાથબનાવટની અનેક ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મનીષાબેન જણાવે છે કે, સરકાર દ્વારા આયોજીત સરસ મેળાઓ અને પ્રદર્શનો તેમના જેવા નાના ઉદ્યોગ સાહસિકો માટે વેચાણનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. સરકારની મિશન મંગલમ જેવી યોજનાઓએ મહિલાઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવીને ઉદ્યોગપતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સફળતાની ગાથા આજે અન્ય ગ્રામીણ મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે.