સ્વદેશી મેળો – સફળતાની ગાથા રાજગઢના લીલાબેન બન્યા કૃષિ સખી : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી 50 ખેડૂતોના જીવનમાં લાવ્યા પરિવર્તન

ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ ગ્રામીણ મહિલાઓ આજે આર્થિક રીતે સદ્ધર બનીને સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આવું જ એક ઉદાહરણ રાજગઢ ગામના વતની માલીવા લીલાબેન ગલાભાઈએ પૂરૂં પાડ્યું છે. જય મેલડીમાં મિશન મંગલમ મંડળ સાથે જોડાયેલા લીલાબેન આજે સરકારની યોજના હેઠળ કૃષિ સખી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતે માત્ર રોજગારી મેળવી રહ્યા છે એવું નથી, પરંતુ એક વટવૃક્ષની જેમ અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને આર્થિક ઉન્નતિનો માર્ગ બતાવી રહ્યા છે.

લીલાબેને પોતાની વ્યવસાયિક ભૂમિકાને ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવીને અત્યાર સુધીમાં આશરે 50 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કર્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી ડાંગર, ઘઉં અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક શાકભાજીનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી લીલાબેન દ્વારા દર ગુરૂવારે ખેત ઉત્પાદનોના વેચાણ માટે ખાસ સ્ટોલ પણ ઊભો કરવામાં આવે છે, જે સીધા વેચાણનું એક ઉત્તમ માધ્યમ બન્યું છે.

સ્વદેશી મેળા અને વિવિધ સરકારી યોજનાઓ થકી મળેલી આ રોજગારી બદલ લીલાબેન સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે, કૃષિ સખીની ભૂમિકા એ સમાજમાં એક મજબૂત વટવૃક્ષ સમાન છે, જે પોતે તો અડીખમ ઊભું રહે છે પરંતુ પોતાની શીતળ છાયામાં અનેક ખેડૂતોને સહાય અને રોજગારી પૂરી પાડીને સમૃદ્ધ બનાવે છે. લીલાબેનની આ સફળતા આજે અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનું ઉદાહરણ બની છે.