મહિસાગરના ખારોલ ગામે લુંટેરી દુલ્હનનો કિસ્સો : વડોદરાની ટોળકીએ ખારોલના ખેડુત પાસે રૂ.૫.૨૭ લાખ પડાવ્યા

મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખારોલ ગામે લગ્નના ખોટી છેતરપિંડી આચરતી એક ટોળકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખારોલ ગામના ખેડુત સુરેશભાઈ રાયજીભાઈ પટેલે પોતાના દિકરા વિરાટકુમારના લગ્ન માટે પરિચીતો મારફતે આણંદના અડાસ ગામના વચેટિયા નટુભાઈ હિંમતભાઈ ગોહિલનો સંપર્ક કર્યો હતો. નટુભાઈએ વડોદરાના કરોડિયા(ગોરવા)ખાતે રહેતા સુરેશભાઈ રમણભાઈ ગજેરા અને વિલાસબેનની દિકરી રેશ્માબેન સાથે લગ્ન કરાવવાનુ નકકી કર્યુ હતુ. ત્યારબાદ ગત તા.૧૪ એપ્રિલે ખારોલ ગામના તળાવ પાસે આવેલા શિવ મંદિરમાં ફુલહાર પહેરાવી ખોટી લગ્નવિધિ કરાવાઈ હતી. આ લગ્ન પેટે સુરેશભાઈ પાસેથી અગાઉ અને લગ્નના દિવસે થઈને કુલ રૂ.૨ લાખ રોકડા લેવામાં આવ્યા હતા. તેમજ ક્ધયા માટે સોનાનુ મંગળસુત્ર, સોનાની બુટ્ટી, સોનાની ચન્ની, અને ચાંદીના છડા મળી કુલ રૂ.૫,૨૭,૦૫૦/-દાગીના તૈયાર કરાવ્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ રેશ્માના માતા-પિતા ડભોઈ મુકામે મામાના દિકરાના લગ્ન હોવાનુ બનાવી બતાવી, રેશ્માને સોના-ચાંદીના ધરેણા પહેરાવીને પોતાની સાથે વડોદરા લઈ ગયા હતા. ત્યારબાદ સુરેશભાઈ અને તેમની પત્નિ જયારે પુત્રવધુને તેડવા વડોદરા ગયા ત્યારે તેમનુ મકાન બંધ હતુ. અને તેઓ ધર ખાલી કરીને ભાગી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. વચેટિયા નટુભાઈએ પણ ફોન બંધ કરી દીધો હતો. આ સમગ્ર છેતરપિંડી અંગે કોઠંબા પોલીસે નટુભાઈ ગોહિલ, સુરેશભાઈ ગજેરા, વિલાસબેન ગજેરા અને રેશ્માબેન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.