
લીમખેડા નગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા છેલ્લા ધણા સમયથી ગ્રામજનો, વેપારીઓ અને મુસાફરો માટે માથાના દુુ:ખાવા સમાન બની ગઈ હતી. ખાસ કરીને સ્ટેટ હાઈવે નં.-૬૨ પર આવેલા અને અંગ્રેજોના જમાનાના જુના રેલ્વે ગરનાળા પાસે સર્જાતા ટ્રાફિકજામના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ગંભીર સમસ્યા અંગે તંત્રનુ ધ્યાન દોરવામાં આવતા વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લેતા તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે રેલ્વે ગરનાળામાં નડતરપ લોખંડના પોલ અને સ્પીડબ્રેકર દુર કરાયા હતા.
દાહોદ જિલ્લા કલેકટર સુરભી ગોૈતમે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ નાગરિકોને પડતી હાલાકી દુર કરવા માટે તાત્કાલિક પગલા ભરવા લીમખેડા પ્રાંત અધિકારી વાય.કે.વાઘેલાને સુચના આપી હતી. જેને પગલે કાર્યવાહી કરતા મામલતદાર અનીલ વસાવા, પો.ઈ.સંદિપ વસાવા, રેલ્વે વિભાગના અધિકારીઓ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં સમસ્યાના કાયમી નહિ પણ તાત્કાલિક રાહત આપનારા ઉકેલો પર ચર્ચા કરી રેલ્વે ગરનાળામાં અવરોધપ બનેલા માળખાને હટાવવાનો નિર્ણય લીધો હતો. બેઠક પુર્ણ થયા બાદ તમામ અધિકારીઓ જેસીબી સાથે રેલ્વે ગરનાળા પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ગરનાળામાં લગાવેલા લોખંડના પોલ, હાઈટ ગેજ અને સ્પીડબ્રેકર તોડી દુર કરાયા હતા. જે બાદ રસ્તો પહોળો થતાં વાહનચાલકોને મોટી રાહત મળી હતી.