મહીસાગર જીલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી તથા સ્થળ પર જ નિકાલ માટે માનનીય મુખ્યમંત્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૬ માસના તાલુકા તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માહે સપ્ટેમ્બર-૨૦૨૬ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૯/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તમામ તાલુકાઓમાં યોજાશે, જેમાં જીલ્લાના વર્ગ-૧ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે. જે અંતર્ગત કલેકટર ગોધર ખાતે, જીલ્લા વિકાસ અધિકારી લુણાવાડા ખાતે, પોલીસ અધિક્ષક ખાનપુર ખાતે, નાયબ વનસંરક્ષક સંતરામપુર ખાતે, પ્રાયોજના વહીવટદાર કડાણા ખાતે, નિવાસી અધિક કલેકટર વિરપુર ખાતે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કોઠંબા ખાતે તથા પ્રાંત અધિકારી બાલાસિનોર તાલુકામાં હાજર રહેશે. જ્યારે માહે સપ્ટેમ્બર-૨૦૨૬ નો જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩/૦૯/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેકટર કચેરી, મહીસાગરના કોન્ફરન્સ હોલ ખાતે માનનીય કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન માટે ટાઇપ કરેલી એક અરજીમાં એક જ પ્રશ્ન દર્શાવી, ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથે તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે. ગ્રામ સ્વાગત માટે અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી મથાળા હેઠળ તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં આપવાની રહેશે. તાલુકા અને જીલ્લા સ્વાગત કાર્યક્રમ માટે સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીએ કરેલી રજૂઆતની નકલ તથા આધાર-પુરાવા સાથે અનુક્રમે મામલતદારની કચેરી કે કલેકટરની કચેરી ખાતે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અથવા “જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મથાળું લખી તા.૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં અરજી મોકલવાની રહેશે. આ કાર્યક્રમમાં કોર્ટ મેટર, નીતિ વિષયક, સેવા વિષયક કે જે બાબતે સંબંધિત કચેરીમાં અગાઉ રજૂઆત ન કરી હોય તેવા પ્રશ્નો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.