લુણાવાડાના સુવા અને ભાટપુર ગામો વરસાદને લઈ કાચા મકાનો ધારાશાહી થતાં ભારે નુકશાન

મહિસાગર જીલ્લામાં ગઈકાલે ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. લુણાવાડા, બાલાસિનોર અને કોઠંબા તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જ્યારે પંચમહાલના શહેરા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.

લુણાવાડા તાલુકાના સુવા ગામમાં પાણી ભરાઈ જતાં ગામ સંપર્કવિહોણું બન્યું હતું. સુવા ગામના નાયક ફળિયા વિસ્તારમાં બેથી ત્રણ કાચા મકાનોને નુકસાન થયું હતું અને તે ધરાશાયી થયા હતા. તેવી જ રીતે, ભાટપુર ગામમાં પણ ત્રણ જેટલા મકાનો ધરાશાયી થયા હતા. પાણીના તેજ પ્રવાહને કારણે અનેક ઘરોમાંથી ઘરવખરીનો સામાન પણ તણાઈ ગયો હતો.

સુવા ગામના નાયક ફળિયામાંથી કુલ ૩૧ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આજે પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સ્પષ્ટપણે સામે આવ્યા છે, જેમાં અનેક પરિવારોએ તેમની છત અને સામાન ગુમાવ્યા છે.

મહિસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં નુકસાનનો સર્વે શ‚ કરવામાં આવ્યો છે. ધરાશાયી થયેલા મકાનો અને ઘરવખરીના નુકસાન અંગે સર્વે કરીને પીડિત પરિવારોને તાત્કાલિક સહાય મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.