છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ બાયપાસ રોડ પરના આ બ્રિજ પર વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને તેમના કાર્યકર્તાઓ ભંગિયાભાઈ રાઠવા, નેવસિંગભાઈ રાઠવા સહિત અન્યોએ આ બ્રિજ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે બ્રિજની ખરાબ હાલત દર્શાવવા માટે તેનું પ્રતીકાત્મક ’બારમું-તેરમું’ પણ કર્યું હતું.
છોટાઉદેપુર જવાના કવાંટ બાયપાસ રોડ પર આવેલો આ બ્રિજ 50 વર્ષથી વધુ જૂનો છે અને સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે. પુલ પર મસમોટા ગાબડાં પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જેતપુર પાવી પાસેનો બ્રિજ ધોવાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. પરિણામે, મોટા ભારદારી વાહનો આ જર્જરિત કવાંટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે પુલ વધુ જોખમી બન્યો છે. કાર્યકર્તાઓએ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી.
વિરોધ પ્રદર્શનને પગલે કવાંટ પોલીસ વિભાગના પી.આઈ. પટેલ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રાધિકાબેન રાઠવાને છોટાઉદેપુર સ્ટેટ આરએનબી (માર્ગ અને મકાન વિભાગ)ના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. રાધિકાબેન રાઠવાએ માંગ કરી હતી કેથ આરએનબીના અધિકારી સ્થળ પર આવે અને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવે, અન્યથા તેઓ આંદોલન ચાલુ રાખશે. પોલીસની સમજાવટ અને અધિકારી સાથેની વાતચીત બાદ રાધિકાબેન અને કાર્યકર્તાઓને સાઈડ પર ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી હતી.