જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા ઝરીબુઝર્ગની ઢાંકિયા વર્ગ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત: ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરી

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા ઝરીબુઝર્ગ ગામ ખાતે આવેલી ઢાંકિયા વર્ગ પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ ઓચિંતી મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ઉપલબ્ધ વિવિધ ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણની સર્વગ્રાહી ચકાસણી કરી હતી.

મુલાકાત દરમિયાન ઉપપ્રમુખએ શાળાના વર્ગખંડો, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. બાળકોને મળતી પાયાની સુવિધાઓમાં કોઈ ખામી ન રહી જાય તે માટે તેમણે શાળાના  શિક્ષકો સાથે સીધો સંવાદ સાધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમ સુવિધાઓની ચકાસણી પીવાના પાણી, શૌચાલય અને વર્ગખંડોની ભૌતિક સ્થિતિની સમીક્ષા કરી.તેમજ  વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અભ્યાસ અને ગુણવત્તા અંગે માહિતી મેળવી શાળામાં સ્વચ્છતા જાળવવા તેમજ બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે સ્થાનિક સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી.

ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને બાળકોને યોગ્ય સુવિધાઓ મળે તે હેતુથી લેવાયેલી આ મુલાકાતને ગ્રામજનો અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી છે.