હાલોલ પાલિકાએ રખડતા ઢોરો પકડ્યા પણ ઢોર ડબ્બો જ નથી

અગાઉ ગાંધીચોક પાસે ઢોર ડબ્બો હતો જ્યાં હાલ શોપિંગ સેન્ટર છે.

હાલ ફાયર સ્ટેશનની બાજુમાં ખુલ્લી જમીનમાં ઢોર રાખવામાં આવ્યા.

હાલોલમાં લાંબા સમયથી જાહેર માર્ગો, મુખ્ય ચોક અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રસ્તાઓ પર અવારનવાર આડેધડ ફરતા ઢોર તેમજ આખલાઓના ટોળાંને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળતો હતો.

ખાસ કરીને જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં આખલાઓ સામસામે બાખડતા હોવાના બનાવોને કારણે ગભરાટ ફેલાતો હતો અને અકસ્માતનું જોખમ પણ સતત તોળાતું હતું. આ ઉપરાંત બાળકો, વૃદ્ધો અને દ્વિચક્રી વાહન ચાલકો માટે રખડતા ઢોરો મોટી મુશ્કેલી‚પ બની રહ્યા હતા.

જાહેર માર્ગો પર ઢોરોના ટોળાં બેસી રહેતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી હતી. લોકોને માર્ગ પસાર કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. નગરજનો દ્વારા આ અંગે વારંવાર પાલીકામાં રજૂઆતો કરવામાં આવતી હોવાથી આખરે હાલોલ પાલિકા તંત્ર દ્વારા ઢોરોને પકડવાની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે.

જેમા પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, પકડાયેલા ઢોરોને રાખવા માટે પાલિકા પાસે કાયદેસરનો ઢોર ડબ્બો ન હોવાથી તંત્ર અવઢવમાં મુકાયું હતું.

અગાઉ ગાંધીચોક પાસે ઢોર ડબ્બો હતો, જ્યાં હાલ શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું છે. તેથી હાલ પકડાયેલા ઢોરોને ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી પાલિકાની ખુલ્લી જમીનમાં રખાઇ રહ્યા છે.

પાલિકાની આ કાર્યવાહીથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. આગામી દિવસોમાં પણ આવી નિયમિત કામગીરી ચાલુ રખાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.