પંચમહાલ પવિત્ર આસો નવરાત્રી પર્વને લઈને પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન યાત્રાળુઓને સરળતાથી અને સલામત રીતે પાવાગઢ પહોંચાડી શકાય તે માટે વિભાગ દ્વારા ૫૫ જેટલી વધારાની એસ.ટી. બસો ફાળવવામાં આવી છે.
ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા ૧૧ થી ૨૬ ઓક્ટોબર, દરમિયાન પાવાગઢ ટ પર આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. નવરાત્રીના દિવસોમાં પાવાગઢ તરફ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોવાથી મુસાફરોને પરિવહનની પૂરતી સુવિધા મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગના આશરે ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજ સોંપવામાં આવી છે. બસોના સંચાલનથી લઈને મુસાફરોને માર્ગદર્શન આપવા અને વ્યવસ્થા જાળવવા સુધીની કામગીરી માટે કર્મચારીઓ તૈનાત રહેશે.
મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે પાવાગઢ ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં મંડપ, બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની સુવિધા તેમજ બસમાં ચડવા-ઉતરવા માટે ક્યુ સિસ્ટમનો સમાવેશ થાય છે. ભીડના સંચાલનને ધ્યાનમાં રાખીને મુસાફરોને વ્યવસ્થિત રીતે બસમાં બેસાડવા અને ઉતારવાની કામગીરી કરવામાં આવશે.
નવરાત્રી દરમિયાન સમગ્ર વ્યવસ્થા સુચા રીતે ચાલે તે માટે એસ.ટી. વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજરી સાથે સતત મોનિટરિંગ કરવામાં આવશે. યાત્રાળુઓની સંખ્યા, બસોની જરૂરિયાત તથા સ્થળ પરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરીનું સંકલન કરવામાં આવશે.
ગોધરા એસ.ટી. વિભાગીય નિયામક દ્વારા આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવતા તમામ ધર્મપ્રેમી જનતા અને યાત્રાળુઓને એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશેષ પરિવહન વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ યાત્રાળુઓને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અને કતાર તથા નિર્ધારિત વ્યવસ્થાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ રીતે આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે, જેથી પર્વ દરમિયાન મુસાફરોને સરળ, વ્યવસ્થિત અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળી રહે.