
ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
- 30 મેઃ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.
- 31 મેઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.
- 1 જૂનઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સોમવારે 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું સોમવારે રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી ગરમીન નોંધાઈ હતી.
રાજકોટમાં 44°C તો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 43°C ડિગ્રીએ પારો પહોંચવાની સંભાવના હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. આજે રાજકોટમાં ગરમીનો પારો 44°C પહોંચે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં બફારાના કારણે અકળામણ અનુભવાશે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હોટ એન્ડ હ્રુમીડ કંડીશનની આગાહી કરી છે. જેના કારણે 28મી તારીખ સુધી બફારાના કારણે અકળામણ અનુભવાશે.
3 દિવસ તાપમાન યથાવત રહેશે, 30મીથી ગરમી ઘટશે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ સાથે 30 મે થી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.