ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

પ્રમુખ તરીકે લક્ષ્મીબેન ડીંડોડ અને ઉપપ્રમુખ તરીકે મિનેષભાઈ ડામોર સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા.

ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સર્વાનુમતે વરણી થતાં તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવેલા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત તમામ સભ્યોએ એકમતથી મંજૂરી આપી હતી.

તાલુકા પંચાયત પ્રમુખ પદે લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડીંડોડ અને ઉપપ્રમુખ પદે મિનેષભાઈ કસુભાઈ ડામોરની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપરાંત ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ કારોબારી ચેરમેન તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર, પક્ષના નેતા તરીકે શીતલબેન નિલેશભાઈ પરમાર તથા દંડક તરીકે મહેશભાઈ લાલસિંગભાઈ મુનિયાની નિમણૂક કરવામાં આવી હતી.

જાહેર થયેલા હોદ્દેદારોના નામોને તાલુકા પંચાયતના સભ્યોએ વધાવી લીધા હતા. તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં કુલ ૨૬ સભ્યોમાંથી ૨૫ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે ચાકલિયા-૧ બેઠકના આપ પાર્ટીના સભ્ય સુમિત્રાબેન કનુભાઈ ડામોર ગેરહાજર રહ્યા હતા.

બેઠક પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં ભાજપ કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ચૂંટાયેલા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી અને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તાલુકાના સર્વાંગી વિકાસ માટે સૌએ ટીમ ભાવનાથી કાર્ય કરવું જ‚રી છે. તેમણે માર્ગ, પાણી, આરોગ્ય અને ગ્રામ વિકાસના કામોને વધુ ગતિ આપવા પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો. સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને જનતાનો વિશ્ર્વાસ જાળવી વિકાસલક્ષી કામગીરી કરવાની પણ અપીલ કરી હતી.

કાર્યક્રમ બાદ તાલુકા મુખ્ય મથકમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-કુંડીના તાલે ભાજપ કાર્યકર્તાઓ ઉત્સાહભેર નાચ્યા હતા. જ્યારે ફટાકડાની આતશબાજી સાથે સમગ્ર વિસ્તાર ભાજપના કેસરિયા ધ્વજોથી ગુંજી ઉઠ્યો હતો. રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ્ના ગગનભેદી નાદ સાથે કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી હતી. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, સરપંચો, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.