
ગોધરા રેલવે સ્ટેશન ખાતે આવેલી પાર્સલ પોસ્ટ ઓફિસમાં હવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી ગણતરીના કલાકો માટે ઉપલબ્ધ સુવિધાઓ હવેથી 24 કલાક મળી રહેશે, જેનાથી નાગરિકોને મોટી રાહત થશે.
અગાઉ આ પોસ્ટ ઓફિસમાં પાર્સલ બુકિંગ સહિતની અન્ય સેવાઓનો સમય સાંજે 6:00 થી 8:00 વાગ્યા સુધી જ મર્યાદિત હતો. જોકે, રેલવે તંત્ર અને પોસ્ટ વિભાગના સહયોગથી આ સુવિધાને હવે 24 કલાક કાર્યરત કરી દેવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા હેઠળ હવે 24 કલાક સ્પીડ પોસ્ટ કરી શકાશે. આ ઉપરાંત, 25થી વધુ આર્ટિકલ કે પાર્સલ હોય તેવા બલ્ક બુકિંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટ ઓફિસને લગતી તમામ પાયાની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો થશે, જેઓ રાત્રિના સમયે માલસામાન, ડોક્યુમેન્ટ્સ અને સેમ્પલ્સ સમયની મર્યાદા વગર મોકલી શકશે. ઈમરજન્સીમાં સ્પીડ પોસ્ટ કે પાર્સલ મોકલવા માટે નાગરિકોને હવે કચેરી ખુલવાની રાહ જોવી પડશે નહીં.