ગોધરાની હોટલ માં પોતાને બંધ બનાવી પરિવાર પાસે 50 લાખ પડાવવા અપહરણનું નાટક રચ્યું, જો પૈસા નહિ આપોતો લાશ મળશેનો હિન્દીમાં મેસેજ મોકલ્યો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક રચ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. 50 લાખ નહીં આપો તો લાશ મળશે તેવો ધમકીભર્યો હિન્દીમાં મેસેજ અને વીડિયો મોકલી પરિવારને ચોંકાવી દેનાર આ શખ્સને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ગોધરાની એક હોટલમાંથી સહીસલામત દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ ગુમ થયાની ફરિયાદ બાદ હિન્દીમાં ધમકીભર્યો મેસેજ સમગ્ર ઘટાની વિગત એવી છે કે, સુરતના મોટા વરાછામાં ભક્તિનંદન સેક્ટર-2માં રહેતા નિશાબેન તળાવિયાએ ગત તા. 12 જૂનના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તેમના 36 વર્ષીય પતિ જીગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ અચાનક જ ગુમ જીગ્નેશના મોબાઈલ પરથી પરિવારને એક ડરામણો મેસેજ મળ્યો હતો.

હિન્દીમાં લખ્યું હતું કે, આના એકાઉન્ટમાં 50 લાખ નાખો નહીં તો તેની લાશ મળશે. તેનું અપહરણ કરાયું છે. પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું. આ મેસેજ અને સાથે આવેલા એક વીડિયોના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ગોધરામાંથી પકડ્યો

મામલાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને સચોટ કડી મળતા ગત તા. 15 જૂનના રોજ બપોરે 1 વાગ્યે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી જીગ્નેશ તળાવિયાને સહીસલામત શોધી કાઢ્યો હતો.

પોતાને બંધક બનાવ્યો હોય તેનો ડેમો પણ પોલીસે કરાવ્યો ગોધરાની હોટલમાંથી પકડાયેલા જીગ્નેશની જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોતે જ આ આખું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પરિવાર પાસેથી મોટી રકમ મેળવવા માટે તેણે જાતે જ હિન્દીમાં મેસેજ ટાઈપ કર્યો હતો અને પોતે બંધક બન્યો હોય તેવો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી જીગ્નેશ પાસે તે કેવી રીતે બંધક બન્યો હતો અને વીડિયો શૂટ કર્યો હતો, તેનો લાઈવ ડેમો પણ કરાવ્યો હતો.

પોલીસનો સમય અને સરકારી સંસાધનો બગાડવા બદલ ગુનો દાખલ આરોપી જીગ્નેશ તળાવિયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામનો વતની છે અને સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પોતાના જ અપહરણની ખોટી વાર્તા ઊભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા, સમય બગાડવા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ ઉત્રાણ પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધી જેલભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.

સ્ટોક માર્કેટમાં 50 લાખથી વધુ ગુમાવતા નાટક રચ્યું લખધીરસિંહ ઝાલા (ડીસીપી)એ જણાવ્યું હતું કે, જીગ્નેશની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે પોતે 50થી 60 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂક્યો હતો અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયો હોવાથી પરિવારજનો અને અન્ય સગા-વહાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કર્યું હતું.

આ સંદર્ભે ઉત્રાણ પોલીસ દ્વારા જીગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયો નથી. ફક્ત અને ફક્ત જીગ્નેશ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.