ગરબાડામાં ગેસના બોટલ નિયમ અનુસાર ન મળતા ગૃહિણીઓ મુશ્કેલીમાં

ગરબાડામાં ગેસની બોટલ સમયસર નહિ મળતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લા કક્ષાએ ૪૫ દિવસમાં ગેસની બોટલ મળી જાય છે. જયારે તાલુકા કક્ષાએ ગેસની બોટલ દોઢ મહિને પણ મળતી નથી. ધણીવાર ગેસની બોટલ સમયસર નહિ મળતા અનેક ધરોમાં રસોઈ પણ બની શકતી નથી.

પહેલાની માફક ૨૧ દિવસમાં ગેસના બોગલ મળી રહે તે માટે ગરબાડા નગરના લોકો દ્વારા મામલતદારને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, ગેસ બોટલોને લઈ તાલુકા અને જિલ્લા કક્ષાના સરકારના અલગ અલગ નિયમોથી ગેસ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉભી થઈ છે. જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ગેસની બોટલ મેળવવા માટેના અલગ અલગ નિયમો છે. જેને કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ચ મહિના પહેલા દર ૨૧ દિવસમાં ગેસ બોટલ મળતો હતો. પરંતુ ત્યારબાદ યુદ્ધના કારણે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં ગેસ બોટલના બુકિંગ બાદ ૪૫ દિવસે ગેસ બોટલ મળી રહે છે. પછી ભલેને ગેસ બોટલ ૩૦ દિવસમાં પુરો કેમ ન થાય…પરંતુ ૪૫ દિવસ વગર ગેસ બોટલ મળતા નથી. જેના કારણે ગૃહિણીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જયાં સુધી ગેસની બોટલ ના મળે ત્યાં સુધી કાં તો બહારનુ જમવાનુ મંગાવવુ પડે છે અથવા તો બીજા પર આધારિત રહેવુ પડે છે. જિલ્લા કક્ષાની એજન્સીમાં આવતા તમામ ગ્રાહકોને સમયસર ૨૫ દિવસમાં બોટલ મળી રહી છે. જયારે તાલુકા કક્ષાની ગેસ એજન્સીમાં આજે પણ ૪૫ દિવસનો જ નિયમ યથાવત છે. સરકારની આવી બેવડી નિતીના કારણે તાલુકા કક્ષાએ ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે સમસ્યાને લઈ ગરબાડા નગરના લોકો દ્વારા મામલતદારને આ બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.