છોટાઉદેપુર જિલ્લામાં તલાટીઓનો હડતાળનો માર આદિવાસી જનતા પર પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓએ લાંબા સમયથી પડતર રહેલા જોબચાર્ટ, વધારાની કામગીરી અને અન્ય પ્રશ્ર્નોને લઈને મહેસુલી કામગીરી બંધ રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા અને રાજય તલાટી મંડળના આહ્વાન હેઠળ, તલાટીઓએ કલેકટર, ટીડીઓ, મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓના તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. પરંતુ હજુ સુધી તેઓની માંગણીઓ સ્વિકારવામાં આવી નથી. તેનો ભોગ ગરીબ આદિવાસી પ્રજા બની રહી છે.

તલાટી મંડળની માંગ તેમની જગ્યાએ બરોબર છે પરંતુ આ વિરોધનો સોૈથી મોટો ભોગ સામાન્ય અને ગરીબ આદિવાસી પરિવારો બની રહ્યા છે. હાલ શૈક્ષણિક સત્ર શ‚ થવાનુ હોય ખાસ કરીને શાળા-કોલેજમાં પ્રવેશ માટે જ‚રી જાતિના દાખલા મેળવવા લોકો છેલ્લા ૮ થી ૧૫ દિવસથી ધકકા ખાઈ રહ્યા છે. ગામલોકોના જણાવ્યા અનુસાર તેઓ મામલતદાર કચેરીએ જાય તો જવાબ મળે છે કે, રેવન્યુ તલાટી પાસે જાઓ…જયારે તલાટીનો સંપર્ક કરતા તેઓ કહે છે કે, અમને હજુ સુધી કોઈ હુકમ મળ્યો નથી, તમે મામલતદાર કચેરીમાં જાઓ…આ રીતે અરજદારોને એક કચેરીએથી બીજી કચેરીમાં ધકેલવામાં આવી રહ્યા છે. પ્રશ્ર્ન એ છે કે, તલાટી અને સરકાર વચ્ચેના વિવાદની સજા આખરે સામાન્ય જનતાને કેમ ભોગવવી પડે…? જનતાનો સમય, પૈસા અને ભવિષ્યનુ નુકસાન કોણ ભરપાઈ કરશે…?