દીવડા કોલોની વસાહત વાસીઓના ખેતી સમસ્યાનો ઉકેલ લવાયો

દીવડા કોલોની વસાહતમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી અનેકવિધ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલી અને લગભગ મૃત:પ્રાય જેવી સ્થિતિમાં ધકેલાઈ ગયેલી આ વસાહતમાં હવે સિંચાઈ વિભાગના સક્રિય અને સરાહનીય પ્રયાસોથી વિકાસના અજવાળાં પાથરાયા છે. અધિકારીઓના ઉત્તમ પરસ્પર સંકલન અને દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે વસાહતમાં નવું જીવન સંચારિત થયું છે.

ભૂતકાળમાં દીવડા કોલોનીની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળતી હતી. વિસ્તારમાં બિસ્માર અને ખાડાટેકડાવાળા રસ્તાઓ, ઉભરાતી ગટરો તેમજ મુખ્ય માર્ગોની આસપાસ વ્યાપેલા અંધારપટને કારણે સ્થાનિક નાગરિકોને દૈનિક જીવનમાં ભારે હાલાકી વેઠવી પડતી હતી અને રાત્રિના સમયે અવરજવર કરવી પણ મુશ્કેલ બનતી હતી.

વસાહતવાસીઓની આ લાંબા સમયની અને વ્યાજબી માંગણીઓને ગંભીરતાથી લઈને સિંચાઈ વિભાગ દ્વારા ૧.૭૮ કરોડ ‚પિયાના માતબર ખર્ચે સત્વરે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિકાસ કાર્યોના પરિણામે આજે વસાહતનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. વસાહતમાં અવરજવર માટે અત્યાધુનિક અને ગુણવત્તાસભર નવીન રસ્તાઓનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ લાંબા સમયથી પરેશાન કરતી ગટર લાઈનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેવાયો છે.

એટલું જ નહીં, પરંતુ મુખ્ય માર્ગો અને શેરીઓમાં છવાયેલા અંધારપટને દૂર કરવા માટે નવી સ્ટ્રીટલાઈટ્સની સત્તાવાર મંજૂરી પણ મળતા હવે આખો વિસ્તાર રાત્રે પણ ઝળહળી ઉઠવાનો છે.આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી જેવા પવિત્ર તથા ઉત્સવપ્રિય તહેવારો આવી રહ્યા છે. આવા સમયે તંત્ર દ્વારા સમયસર કરવામાં આવેલા આ વિકાસ કાર્યોથી વસાહતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.