ધાનપુરના દુધામલી ગામે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દિપડાએ હુમલો કર્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ધોળા દિવસે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દિપડાએ હુમલો કર્યો હતો.

દુધામલી ગામની રહેવાસી કમલીબેન જોરસીંગભાઈ ગમારીયા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક દિપડો આવીને તેમના પર હુમલો કરી દીધો હતો. દિપડાના હુમલા બાદ કમલીબેન જોરસીંગભાઈએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેના કારણે દિપડો ભાગી ગયો હતો. આ હુમલામાં કમલીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે બાદ વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ધટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.ગામલોકોએ વનવિભાગને જાણ કરી દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરી છે.