
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક વિરમદળ રોડ પર એક યુવાનની હત્યાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા આસિફ ઓસમાણ લાખાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી હત્યાના કારણ અને આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માથાના ભાગે જીવલેણ ઘા, ઘટનાસ્થળે પોલીસ દોડી આવી – ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક, ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને ફોરેન્સિક સહિતના જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો મૃતદેહ – મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો, સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જાવા મળ્યો હતો.
લૂંટના એંગલથી પણ તપાસ, અનેક સંભાવનાઓ પર પોલીસની નજર – પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે તમામ સંભવિત એંગલને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થશે.
દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી મીત રુદલાલે જણાવ્યું કે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા,સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.