
શહેરમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર જી.એસ. મલિક રાજ્યના કાયમી ડીજીપી બન્યા બાદ છેલ્લા ૨૫ દિવસથી ખાલી પડેલી કમિશનરની જગ્યા પર સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને ૧૯૯૭ની બેચના સિનિયર આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગેહલોતની બદલી થતાં હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તેને લઈને ભારે ચર્ચાઓ અને અટકળો ચાલી રહી હતી. રથયાત્રા જેવા મોટા અને સંવેદનશીલ બંદોબસ્તને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ અનુભવી ચહેરાની શોધમાં હતી. જી.એસ. મલિકની રાજ્યના પોલીસ વડા તરીકે પસંદગી થયા બાદ, અમદાવાદ સીપીનો ચાર્જ ઇન્ચાર્જ અધિકારીને સોંપવામાં આવ્યો હતો.
રથયાત્રા પૂર્વે જ સરકારે આ મહત્વની જગ્યા પર કાયમી કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નામ પર મહોર મારી દીધી છે. ૧૯૯૭ની બેચના બાહોશ આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોત ગુજરાતના પોલીસ તંત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ રાજ્યના મુખ્ય શહેરો જેવા કે રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે.
આ ચાર મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપવાનો અનુભવ ધરાવતા તેઓ રાજ્યના જૂજ અધિકારીઓમાંથી એક છે. તેમની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા તરીકે રહ્યા બાદ પાટણના એસપી બન્યા હતા. ત્યારબાદ તેમની પ્રમોશન સાથે વડોદરા રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી.
વડોદરા બાદ તેમણે રાજકોટ પોલીસ કમિશનર તરીકે શાનદાર કામગીરી કરી હતી. તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાંથી પરત ફર્યા બાદ સરકારે તેમને બીજી વખત વડોદરાના કમિશનર બનાવ્યા હતા. વડોદરા બાદ તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા, જ્યાંથી હવે તેમને અમદાવાદની કમાન સોંપવામાં આવી છે.