રાજકોટમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટમાં પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર ૧૦માં અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર અને આહીર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓને મીઠાઈની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સફાઈ કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ સંગઠન દ્વારા આજે રાજકોટ સહિત ગુજરાતભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દીપ પ્રાગટ્ય સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સફાઈ કર્મચારીઓના સન્માન અંગે કોર્પોરેટર અશ્વિન ભોરાણીયા, વોર્ડ નંબર ૧૦એ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખવા માટે સતત કામગીરી કરે છે. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમની સેવાઓને બિરદાવવા માટે આ રીતે સન્માન કરવામાં આવ્યું છે.