મહેસાણા મહાનગરપાલિકાના પ્રવેશદ્વારે તોરણ લટકાવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

મહેસાણા કોર્પોરેશનના શહેરમાં રખડતાં કૂતરાંને પકડીને રસીકરણ-ખસીકરણ કરવાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે બુધવારે મનપા કચેરીના પ્રવેશ દ્વારે કૂતરાંના ફોટા સાથેનું તોરણ લટકાવી વિરોધ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

મહેસાણા મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંના નિયંત્રણ માટે એજન્સી રોકી છે. જે એજન્સી દ્વારા રખડતાં કૂતરાં પકડીને તેનું ખસીકરણ તેમજ રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. કોંગ્રેસના આગેવાન ભૌતિક ભટ્ટે લેખિત રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ બુધવારે ભૌતિક ભટ્ટ, મનપાના કોંગ્રેસના નેતા અમિત પટેલ, કમલેશ સુતરિયા, હાર્દિક સુતરિયા, મુકેશ પટેલ સહિતે આ મુદ્દે કૂતરાંના ફોટા સાથે તેમના દ્વારા વિવિધ માગણીઓ દર્શાવતું તોરણ લટકાવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જેથી મનપાએ પોલીસ બોલાવવી પડી હતી.

તેમણે ડે.મ્યુ. કમિશનરને મળીને રજૂઆત કરી હતી કે, એબીસી સેન્ટરમાં કૂતરાંને યોગ્ય ખાવાનું આપવામાં આવતું નથી. કોર્પોરેશને કોઈ ઠરાવ, જાહેરાત કે ઈન્ટરવ્યુ વગર સગાવાદ ચલાવી ડોક્ટર રાખ્યા છે. અનધિકૃત વ્યÂક્તઓ કૂતરાંનું ઓપરેશન કરતા હોવાના તેમજ ૩૦ ટકા જેટલાં કૂતરાં મરી જતાં હોવાના આક્ષેપ કરીને તેમણે એજન્સી રદ કરી કોઈ જીવદયા પ્રેમી સંસ્થાને કામ સોંપવાની માંગ કરી હતી. ડે.મ્યુ. કમિશનર એ.બી.મંડોરીએ જણાવ્યું કે, અમારા વેટરનરી ઓફિસરે સ્થળ તપાસ કરી હતી તેમાં પ્રાથમિક તબક્કે આવું કંઈ જણાયું નથી. અમે ફરીથી ઓચિંતી તપાસ કરીશું, હું પણ સ્થળ પર રૂબરૂ જઈશ. આવું કંઈ જણાશે તો અમે એજન્સીને બ્લેકલિસ્ટ કરશું અને એને પેનલ્ટી પણ કરીશું. મેનપાવર લેવા માટે એક ઠરાવથી કમિશનરને સત્તા આપેલી છે, એટલે બીજા કોઈ ઠરાવની જરૂર રહેતી નથી.