
અમદાવાદ એરપોર્ટ બહાર સોનાની લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ હોવાનું જણાવીને કેટલાક શખ્સોએ વેપારીના બે કર્મચારીઓને રોકી તેમની પાસેથી અંદાજે ૬૦૦ ગ્રામ સોનું લૂંટી લીધું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના રામપુરના એક વેપારીએ વધુ નફાની આશાએ દુબઈથી લગભગ ૬૦૦ ગ્રામ સોનું મંગાવ્યું હતું. સોનાનો જથ્થો લેવા માટે તેના બે કર્મચારીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
સોનું લઈને બંને કર્મચારીઓ એરપોર્ટ બહાર નીકળ્યા બાદ એક મહિલા સહિત ત્રણ શખ્સોએ તેમને રોક્યા હતા. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને તપાસના બહાને બંનેને પોતાની કારમાં બેસાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓએ બંને કર્મચારીઓ પાસેથી ૬૦૦ ગ્રામ સોનું કબજે કરી લીધું અને ત્યારબાદ ગાંધીનગરના એપોલો સર્કલ બ્રિજ નજીક તેમને કારમાંથી ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ભોગ બનનારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની ઓળખ, તેમની કાર અને ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓ અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસે લોકોને કોઈપણ અજાણ્યા વ્યક્તિ પોતાને પોલીસ અથવા સરકારી અધિકારી તરીકે ઓળખાવે તો તેની ઓળખ અને અધિકૃત દસ્તાવેજાની ખાતરી કર્યા વિના વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. જા શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.