ચૈતર વસાવાના સમર્થનમાં “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું

નર્મદાના ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં હજારો લોકો એકત્ર થયા હતા. નર્મદા નદીના વહેતા પાણીની જેમ જ આ સભામાં આવેલી લોકોની ભીડે આખા વિસ્તારને ગુંજાવી દીધો હતો. સવારથી જ લોકોનું આગમન ચાલું થઈ ગયું હતું અને બપોર સુધીમાં સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. નોંધનીય છે કે, રાજપીપળા સેસન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત ૯ લોકોને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા હતા અને તેમને ૭ વર્ષની સજા સંભળાવી હતી. હાલમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે.

ડેડિયાપાડા ખાતે યોજાયેલી “સામાજિક જનસમર્થન સભા”માં ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના હજારો લોકો પહોંચ્યા હતા. ત્રણેય રાજ્યોના આદિવાસી ભાઈ-બહેનો એક જ મંચ પર એકતાનો સંદેશ આપતા જાવા મળ્યા હતા. આ તમામ લોકોએ ખુલ્લીને ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું અને તમામે ‘હું ચૈતર વસાવાની સાથે છું’ના નારા લગાવ્યા હતા.

આ દરમિયાન દરેક લોકોના હાથમા ચૈતર વસાવાના સમર્થનમાં હું ચૈતર વસાવાની સાથે છું’ના બેનરો પણ જાવા મળ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ડેડિયાપાડા ખાતે વરસાદ ચાલું હોવા છતાં ગામેગામથી બસો ભરીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા સભા સ્થળે પહોંચ્યા હતા.

“સામાજિક જનસમર્થન સભા”માં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ તમામ નેતાઓ ખુલ્લીને ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું અને સત્તાધારી પક્ષ (ભારતીય જનતા પાર્ટી) અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના વર્ષ ૨૦૨૩ના ગંભીર કેસમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને ૭ વર્ષની કેદની સજા ફટકારી છે. હાલમાં ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે આજે ચૈતર વસાવાના સમર્થનમાં “સામાજિક જનસમર્થન સભા” યોજાઈ હતી.